આ વાત છે ખાખીની ખુમારી અને ખાનદાનની, એક વાર જરૂર વાંચજો…

મુશ્કેલી કોઈ પણ હોય પણ અડધી રાતનો હોંકારો એટલે Dysp પ્રદીપસિંહ જાડેજા

પોલીસની શું કામગીરી છે, પોલીસ શું કરી રહી છે અને શું કરવું જોઈએ. પોલીસ પોતાની ફરજ સાથે બીજું પણ શું કરી શકે, એ જાણવું હોય તો જૂનાગઢ જવું પડે અને Dysp પ્રદીપસિંહ જાડેજાને મળવું પડે.

પ્રદીપસિંહ જાડેજા એક એવા અધિકારી કે જેણે સેવાનો ભેખ ધારણ કરી લીધો છે. અને એટલે જ આજે સોરઠના લોકો કહે છે, મુશ્કેલી કોઈ પણ હોય અમારો અડધી રાતનો હોંકારો એટલે Dysp પ્રદીપસિંહ જાડેજા.

હાલ ચીની વાઇરસ એવા કોરોનાની કઠણાઈ વચ્ચે પણ આપણાં પોલીસ જવાનો બીજાના જીવ માટે પોતાના જીવ જોખમમાં મુકી સતત સેવામાં છે.

અનેક જવાબદારીઓ સાથે પોલીસ જવનો દિવસરાત ફરજ પર તૈનાત છે. આફતના સમયે તેની ડયૂટીનો કોઈ સમય નક્કી નથી. કયારે અને કયાં જવાનું થશે? એ પણ ખબર નથી.

તેને પણ પરિવાર છે, તેના ઘરે પણ સંતાનો વાટ જોવે છે. એ નાના સંતાનોને કોણ સમાજે કે તેના પિતા આ એક પરિવાર નહીં આવા અનેક પરિવારોની ચિંતા સાથે ફરે છે.

જેમ સૂકા સાથે લીલુ બળે તેમ એક કર્મચારી કે એક અધિકારીના ખરાબ કામના કારણે પુરા પોલીસ બેડાની ઇમેજ ખરડાતી હોય છે.

પરંતુ આપણે Dysp પ્રદીપસિંહ જાડેજા જેવા અધિકારી કે કર્મચારીની પણ વાત કરવી જોઈએ જેણે પોતાની ફરજ ઉપરાંતની સેવાઓમાં કયારેય પીછેહટ કરી નથી.

કોઈ નાની કેબિન ચલાવતો હોય અને આ મહામારીના સમયમાં તાવડી ટેકો લઇ જાય તેમ હોય તો પણ તેઓ નિરાધારનો આધાર બનીને ઉભા રહ્યાં છે.

કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પોતાના બાળકને સારુ શિક્ષણ આપવા ફી ભરી શકે તેમ ન હોય તો પણ આ અધિકારીએ તેની અડધી રાત્રે વ્યવસ્થા કરી છે અથવા કરાવી છે.

હાલ તાજેતરની જ વાત કરુ તો એક પરિવારના મોભી કેન્સર સામે જંગ હારી જતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. સ્થિતિ એવી બની કે, 11 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીને આગળ અભ્યાસ કેવી રીતે કરાવવો.

બહેનના આગળના ભવિષ્યની ચિંતામાં મોટા ભાઈની પણ ઉંઘ હરામ થઈ ગઇ. જો કે અંતે પરિવર્તન કરિયર એકેડમી રાજકોટના Karshan Gadhavi એ દીકરી અને ભાઈને સાથે લઇ તાબડતોડ જૂનાગઢ પહોંચ્યા અને Dysp પ્રદીપસિંહ જાડેજાને મળ્યાં.

પરિવાર પર આવી પડેલી આખી ઘટના વર્ણવતા આ અધિકારીની આંખ પણ ભીની થઈ ગઇ. બાદમાં તુરંત જ જ્યાં આ દીકરી અભ્યાસ કરતી હતી તે સ્કૂલનો સંપર્ક કરી 2 વર્ષની કુલ રૂ.1.72 લાખ ફીમાંથી રૂ.1.22 લાખ માફ કરાવી દીકરીના આગળના અભ્યાસની વ્યવસ્થા કરાવી.

કદાચ જો આ પરિવારને Dysp પ્રદીપસિંહ જાડેજાનો સહકાર ન મળ્યો હોત તો એ અભ્યાસુ દીકરીને અભ્યાસથી અળગા કરવાની ફરજ પડી હોત.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *